મ્યુકર માઇકોસિસ શું છે ? તેના લક્ષણો અને સારવાર શું છે ?

મ્યુકર માઇકોસિસ એક ગંભીર ફંગલ સંક્રમણ છે, મ્યુકર માઇકોસિસ માટે જવાબદાર માઇક્રો ઓર્ગેનિઝમ જે મ્યુકર માઈસેટીસ નામના ફંગસ ના કારણે  થાય છે
What is mucormycosis? What are the symptoms and treatment?

મ્યુકર માઇકોસિસ શું છે ? [what is mucormycosis ?]

મ્યુકર માઇકોસિસ એક ગંભીર ફંગલ સંક્રમણ છે, મ્યુકર માઇકોસિસ માટે જવાબદાર માઇક્રો ઓર્ગેનિઝમ જે મ્યુકર માઈસેટીસ નામના ફંગસ ના કારણે  થાય છે. આ ફંગસ વાતાવરણમાં બધે હોય જ હોય છે અને ઘણીવાર સડી ગયેલ ખોરાક પર પણ જોવા મળે છે. વાતાવરણમાં હોવા છતાં તેના કારણે માનવીઓમાં સંક્રમણ થતું નથી કારણ કે આપણી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) આ પ્રકારના જીવાણુઓ સામે સરળતાથી લડી શકે છે. પરંતુ જ્યારે શરીરની રોગપ્રતિરોધક શક્તિ ઘટી જાય છે (ખાસ કરીને ડાયાબિટીસના કારણે) ત્યારે ફંગસ વિનાશકારી પરિણામો સાથે શરીરને સંક્રમિત કરે છે. 

જોખમી પરિબળો [Risk factors]

અનિયંત્રિત ડાયાબિટીસ અને આઈસીયુમાં લાંબો સમય રહેવાથી કોવિડ 19 ના કેટલાક દર્દીઓમાં મ્યુકર માઇકોસિસનું ઘાતક ફંગલ સંક્રમણ જોવા મળ્યું છે જે મગજ અને ફેફસાંને પ્રભાવિત કરનાર બ્લેક ફંગસ તરીકે પણ ઓળખાય છે. 

સંક્રમણ [Transmission]

ફંગસના બીજ હવામાં સર્વવ્યાપી હોય છે અને શ્વાસમાં લેવાથી હવા દ્વારા તે શરીરમાં પ્રવેશે છે. સામાન્યતઃ સંક્રમણ સાઈનસ એટલે કે નાક ના ભાગથી શરૂ થાય છે. 

લક્ષણો [Symptoms]

શરૂઆતના લક્ષણો માં તાવ, ચહેરા માં દુખાવો, માથાનો દુખાવો, નાકે બાજી જવું, દાંત માં દુખાવો, નાક માંથી રક્તસ્ત્રાવ થવો, ચહેરા પર સોજો આવી જવો અને ત્વચાનો કલર ઉડી જવો એવા લક્ષણો જોવા મળે છે. જો લાંબો સમય તેની સારવાર આપવામાં ન આવે તો સંક્રમણ આંખ અને મગજ સુધી પ્રસરી જાય છે. તેના કારણે આંખમાં પણ સોજો આવે છે. પોપચાં ઢળી જવા જેવા લક્ષણો જોવા મળે છે. દ્રષ્ટિ પણ ઘટી જાય છે. તાળવું કાળું પડી જાય છે અને સભાનતા નું સ્તર ઘટતું જાય છે. 

નિદાન [Diagnosis] 

ઇએનટી સર્જન દ્વારા ક્લિનીકલ તપાસથી તેનું નિદાન થાય છે. આ માટે એન્ડોસ્કોપી કરવી પડે છે અને જરૂર પડ્યે ફંગસ ની હાજરી ચકાસવા માટે બાયોપ્સી પણ કરવી પડે છે.

સારવાર [Treatment]

મ્યુકર માઇકોસિસ ની સારવાર માટે ઇએનટી સર્જન, આંખના ડોક્ટર, ન્યુરોલોજીસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ, એન્ડો ક્રાયોનોલોજીસ્ટ, માઈક્રો બાયોલોજીસ્ટ, ડેન્ટલ સર્જન અને મેક્સિલોફેશિયલ સર્જન સહિત અનેક પ્રકારના રોગોના નિષ્ણાતોની ટીમ ની જરૂર પડે છે.

સર્જરી [Surgery]

મ્યુકર માઇકોસિસ માટે સંક્રમિત કોશિકાઓ કે સ્નાયુઓને દૂર કરવા માટે સર્જરી કરવી પડે છે જેમાં સામાન્ય ટીએનટી સર્જનની ભૂમિકા હોય છે. આંખને સંક્રમણ થયું હોય તો આંખને દૂર કરવા માટે આંખના સર્જન ની જરૂરિયાત રહે છે. 

કઈ રીતે બચવું ? [How to prevent a mucormycosis infection ?]

મ્યુકર માઇકોસિસ અટકાવવા માટે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગર ને કંટ્રોલ કરવું અત્યંત જરૂરી  છે. નિયમિત રીતે બ્લડ સુગર ચેક કરવું જરૂરી રહે છે. સ્ટીરોઇડ પણ ડોક્ટરની દેખરેખ માં લેવી જોઈએ.